Solex

"સૂર્ય યોજના" સોલાર રૂફટોપ સબસિડી

14-Sep-2021

સૂર્ય એ ઉર્જાનો અખૂટ ભંડાર છે. તે અવિરત પણે પોતાના હૂંફાળા કિરણો થી શક્તિ દાતા રીતે સૃષ્ટિ ને પોષે છે. અને આ હૂંફાળા કિરણો થી સૌર ઉર્જાનું ઉત્પાદન કરીને તેનાથી ઘર અને ઇન્ડસ્ટ્રી માટે વીજળીનો વપરાશ કરી શકાય છે. તેના માટે સરકારે "સૂર્ય ગુજરાત યોજના" બહાર પાડી છે.

 

ભારત ના દરેક ઘર ને પર્યાવરણ અને સૃષ્ટિ ના જતન માટે વર્ષ ૨૦૨૨ સુધીમા ૧૭૫ ગીગાવોટ સૌર ઉર્જા ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક ભારત સરકાર દ્વારા રાખવામાં આવ્યો છે અને લક્ષ્યાંક ને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૨ સુધી માં ૩૦૦૦૦ મેગાવોટ સૌર ઉર્જા નું ઉત્પાદન કરવાનું નક્કી કરેલ છે.

 

તેના જ ભાગ રૂપે આપણા નાયબ મુખ્ય મંત્રી દ્વારા ૨ જુલાઈ ૨૦૧૯ ના રોજ વિધાનસભા સત્ર દરમિયાન નવી સોલાર રૂફટોપ યોજનાની જાહેરાત કરી હતી.

 

અને આ યોજનાને સફળતા પૂર્વક પાર પાડવા માટે સરકાર ના ત્રણ વર્ષ પુરા થયાના પ્રસંગે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સત્તાવાર જાહેરાત કરી હતી અને યોજનાને સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના “સૂર્ય ગુજરાત” નામ અપાયું હતું.

 

આ યોજના અંતર્ગત જો તમે તમારા મકાન પર સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવા માંગતા હો તો આ યોજના નો લાભ લઇ શકો છો.

 

દરેક ગુજરાતી પરિવાર પોતાના ઘરે સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવે અને પર્યાવરણ ને બચાવવામાં ભાગીદાર થાય તે માટે સરકાર દ્વારા આ યોજના માટે વિશિષ્ટ સબસીડીની જોગવાઈ કરેલી છે.

 

ગુજરાત સરકારે સૂર્ય ગુજરાત યોજના અંતર્ગત નિર્ધારિત કરેલા નિયમો આ પ્રમાણે છે

 

  • ગ્રાહક કોઈપણ ક્ષમતાની સોલાર સિસ્ટમ બેસાડી શકશે અને તે માટે તેના કરારીત વીજભારની મર્યાદા લાગુ પડશે નહિ.

 

  • રાજ્ય સરકાર દ્વારા રહેણાંક હેતુના વીજગ્રાહકોને સોલાર રૂફટોપ માટે પ્રથમ ૩ કિલોવોટ્ની ક્ષમતા સુધી નિયત કરેલી કિંમત પર ૪૦ % તેમજ ત્યાર પછીના ૩ થી વધુ અને ૧૦ કિલોવોટની ક્ષમતા સુધી સોલાર રૂફટોપ પર ૨૦ % સબસીડી મળશે. દા.ત. કોઈ અરજદાર ૧૧ કિલોવોટ સોલાર સિસ્ટમની માંગણી કરે તો પ્રથમ ૩ કિલોવોટ પર ૪૦ % પછીના ૭ કિલોવોટ પર ૨૦ % અને તે પછીના ૧ કિલોવોટ પર 0% સબસીડી મળવાપાત્ર થશે.

 

  • ગ્રુપ હાઉસિંગ સોસાયટી (GHS) / રેસિડેન્શિયલ વેલ્ફેર એસોસિએશન (RWA) ની મજિયારી સુવિધાઓ જેવી કે સોસાઈટીની લાઈટ, સોસાયટીનું વોટર વોર્ક્સ, લિફ્ટ, જીમ, સ્વિમિંગ પુલ, બગીચો વગેરેના વીજ જોડાણો માટે ૫૦૦ કિલોવોટની મહત્તમ મર્યાદામાં ( @૧૦ કિલોવોટ પ્રતિ ઘર લેખે ), સોલાર સિસ્ટમની કુલ કિંમત પર ૨૦ % સબસીડી મળશે. ૫૦૦ કિલોવોટની મહત્તમ મર્યાદામાં જે તે GHS / RWA ના રહેવાસી દ્વારા સ્થાપિત સોલાર સિસ્ટમની ક્ષમતાઓને પણ સમાવિષ્ટ કરવાની રહેશે.

 

  • વીજ ગ્રાહકે જીયુવીએનએલ (GUVNL) દ્વારા માન્ય કરાયેલ એજન્સીઓમાંથી કોઈપણ એકની પસંદગી કરવાની રહેશે. ત્યારબાદ તમામ કાર્યવાહી એજન્સીએ કરવાની રહેશે. માન્ય એજન્સીઓની યાદી દરેક વીજ વિતરણ કંપનીઓની વેબસાઈટ ઉપર તેમજ વીજકચેરીએ ઉપલબ્ધ છે.

 

  • સોલાર સિસ્ટમ સ્થાપ્યા બાદ તે એજન્સી ૫ વર્ષ સુધી સિસ્ટમનું વિના મુલ્યે મેન્ટેનન્સ કરશે.

 

  • અરજની નોંધણી વખતે અરજદારે છેલ્લા વીજબીલ, અરજદારનો ફોટો, આધાર નંબર અને અરજદારનો મોબાઇલ ફોન નંબર આપવો જરૂરી છે.

 

  • ગ્રાહકે પસંદ કરેલી એજન્સી, જે તે વીજગ્રાહક વતી સોલાર રૂફટોપના પોર્ટલ પર ઓનલાઇન અરજીની નોંધણી કરાવશે. એ માટેની નિયત કરેલ ડિપોઝિટની રકમ એજન્સી દ્વારા ભરપાઈ કરવામાં આવશે, જે રકમ અંદાજપત્રની સામે સરભર કરવામાં આવશે. અંદાજપત્રમાં સોલાર સિસ્ટમનો કનેકટીવીટી ચાર્જ, સોલાર જનરેશન મીટર ચાર્જ, મીટર ટેસ્ટિંગ ચાર્જ અને મીટરબોક્સના ચાર્જનો સમાવેશ થાય છે. વીજગ્રાહકે આ ડિપોઝિટ કે અંદાજપત્ર એમ બે માંથી કોઈપણ રકમનો ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે નહિ. ગ્રાહકે ટેન્ડરથી નક્કી થયા મુજબ નીચે દર્શાવેલ કોષ્ટક મુજબ રકમ ચુકવવાની રહેશે. તે સિવાય ગ્રાહકે અન્ય કોઈ રકમ ચુકવવાની નથી.

 

  • પરંતુ જો ચાલુ વીજ વિતરણ માળખામાં ફેરફાર કરવાની ટેક્નિકલ જરૂરિયાત જણાય તો તેનો ખર્ચ વીજગ્રાહકે ભરવાનો રહેશે, તે માટે વીજ વિતરણ કચેરી દ્વારા અલગથી અંદાજપત્ર આપવામાં આવશે.

 

  • પરંતુ જો ગ્રાહક મોડ્યૂઅલ માઉન્ટીંગ સ્ટ્રકચરની રૂફ લેવલથી નિયત કરેલ ઊંચાઈમાં વધારો કરાવવા માંગે તો ગ્રાહક તથા એજન્સી વચ્ચે પરસ્પર સમજૂતી કરી, તે માટેનો વધારાનો ખર્ચ પરસ્પર નક્કી કરી ગ્રાહકે જે તે એજન્સીને અલગથી ચૂકવવાનો રહેશે.

Phone

calculator

brochure

whatsapp